પરિવાર વિરૂદ્ધ જઈને અન્ય ધર્મના યુવકના પ્રેમમાં પાગલ યુવતીને અંતે પોતાનું જીવન ટૂંકાવવાની નોબત આવી છે. બે વર્ષ સુધી મોહંમદ આબિદ નામના યુવક સાથે રહ્યા બાદ પૂજા નામની યુવતીને જાણ થઈ કે તે પરિણીત હતો. પરિવારજનોએ યુવતીને પરત લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે યુવકના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવતીએ પોતાના ભાડાના મકાનમાં પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધો છે. યુવતીએ પહેલા હાથમાં બ્લેડ મારી હતી અને બાદમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
બે વર્ષ પહેલાં યુવતી ઘર છોડીને જતી રહી હતી અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સિંધુદેવી કુશ્વાહે વટવા પોલીસ સ્ટેશનમાં મોહંમદ આબિદ નામના યુવક વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. સિંધુદેવી 30 વર્ષથી વટવામાં પતિ અને સંતાનો સાથે રહે છે અને સિલાઈનું કામ કરીને જીવન ચલાવે છે. સિંધુદેવીની પુત્રી પૂજાને વટવાના સૈયદવાડી પાસે રહેતા મોહંમદ આબિદ મોહમદયામીન શેખ સાથે પ્રેમસંબંધ હતો. બે વર્ષ પહેલાં મોહંમદ આબિદ શેખ સાથે પૂજા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે જતી રહી હતી.
દોઢેક વર્ષ બાદ સિંધુદેવીના પુત્રના લગ્ન હતા, જેમાં પૂજા આવી હતી, ત્યારે ઘરના તમામ સભ્યોએ સમજાવી હતી કે તું ઘરે પાછી આવીજા, અમે સારી જગ્યાએ તારા લગ્ન કરાવી આપીશુ, પરંતુ પૂજાએ જણાવ્યુ હતું કે હું મોહંમદ આબિદ સાથે રહું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. ત્યાર બાદ પૂજા ગયા વર્ષે છઠ્ઠ પૂજાના તહેવાર પર પોતાના ઘરે રહેવા માટે આવી હતી અને પંદર દિવસ જેટલો સમય રોકાઈ હતી. આ વખતે પણ પૂજાને પરિવારે સમજાવી હતી, પરંતુ તે માની નહીં.
ઉત્તરાયણના દિવસે સાંજના 6 વાગ્યાની આસપાસ પૂજા ઘરે આવી હતી અને કહેવા લાગી હતી કે મોહંમદ આબિદ પરિણીત છે અને તે હવે મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. આબિદ પૂજાને માર પણ મારતો હતો.