વોકિંગમાં નીકળેલા આધેડનું વાહન અડફેટે મોત

કાલાવડ રોડ કટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં રંગોલી પાર્કમાં રહેતાં અને સર્વિસ સ્ટેશન ચલાવતાં આધેડનું ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું છે. તેઓ ઘરેથી વોકિંગ માટે નીકળ્યા ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સારવાર માટે દાખલ કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

કટારિયા ચોકડી નજીક રંગોલી પાર્કમાં રહેતા ઘનશ્યામસિંહ રણજિતસિંહ ચૌહાણ (ઉ.વ.45) ગત શનિવારે સાંજે ઘરેથી વોકિંગ માટે નીકળ્યા હતા. તેઓ કટારિયા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં તે સતત ચાર દિવસથી સારવાર હેઠળ હતા. આજે સવારે અંતિમ શ્વાસ લઇ લેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ઘનશ્યામસિંહ ચૌહાણ બે ભાઇમાં મોટા હતા. તેઓ મોદી સ્કૂલ નજીક વાહન સફાઇ માટેનું સર્વિસ સ્ટેશન ચલાવતા હતા. તાલુકા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *