ગૌમાંસ પકડાયું હોય તેવા ગંભીર ગુનામાં નાસતો ફરતો આરોપી પોલીસ સ્ટેશને જાય, ફરિયાદ નોંધાવે અને પોલીસ કમિશનર કચેરીએ રજૂઆતો કરવા ટોળાં સાથે જાય આમ છતાં તેની ધરપકડ ન થાય તેવો વિચિત્ર કિસ્સો રાજકોટ પોલીસમાં બન્યો છે.
બે મહિના પહેલાં ગૌરક્ષકોએ બાતમી આપી હતી કે, ભગવતીપરામાં ગૌમાંસ વેચાઈ રહ્યું છે. જેને આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી અને માંસ મળી આવતા એફએસએલને જાણ કરી હતી. એફએસએલના રિપોર્ટમાં ગૌમાંસ હોવાનું સાબિત થયું હતું. જેને લઈને રફિક ગફાર કટારિયા સામે ગુનો નોંધાયો હતો. પોલીસની પૂછપરછમાં રફિકે ગૌમાંસના વેપલામાં આસિફ બેલીમ પણ હોવાનું ખુલ્યું હતું.
આસિફની ધરપકડ થઈ ન હતી. સાત દિવસ પહેલાં ગૌરક્ષકો સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં આસિફ જ ફરિયાદી હતો. આસિફ પોલીસ સ્ટેશને ગયો હતો તેમજ રજૂઆત કરવા માટે સીપી કચેરીએ પણ ટોળાં ગયા હતા. પોલીસની સાથે જ રહ્યો હોવા છતાં પોલીસે આસિફની ધરપકડ કરી ન હતી. છેવટે બી-ડિવિઝને આટલા સમય બાદ બુધવારે મોડી સાંજે સદરમાંથી આસિફની અટકાયત કરી હતી.