રાજકોટ મહાપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોની હરરાજી કરાશે, રૂ.15.80 લાખથી અપસેટ કિંમત શરૂ થશે

રાજકોટ મહાપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરરાજી આવતીકાલ 21 જાન્યુ.નાં રોજ સવારે 9 કલાકે યોજાશે. મવડી ટી.પી. સ્કીમ 27ના પ્લોટ નં. 51 B ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલી આ મોકાની દુકાનો માટેની અપસેટ કિંમત રૂ. 15,80 લાખથી રૂ. 25,70 લાખ સુધી રાખવામાં આવી છે. ટાઈટલ ક્લિયર અને 100% દસ્તાવેજ સાથેની આ દુકાનો માટે કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકાશે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય મિની સુપર માર્કેટ, ડેરી, ક્લિનિક તેમજ સલૂન જેવા વ્યવસાયો માટે ઉત્તમ છે.

આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ રૂ. 2,00,000 ની ડીપોઝીટનો ચેક કે ડીડી ‘રાજકોટ મહાનગરપાલિકા’ના નામે જમા કરાવવાનો રહેશે. બોલીની શરૂઆત રૂ. 10,000 ના ગુણાંકમાં કરવાની રહેશે. જેની બોલી મંજૂર થાય તેણે કુલ કિંમતના 25% રકમનો ચેક સ્થળ પર જ આપવાનો રહેશે, જ્યારે બાકીના 75% રકમ મંજૂરી મળ્યાના 60 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. હરરાજી અંગેની વધુ વિગતો અને ડીપોઝીટ માટે એસ્ટેટ શાખા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આ બાબતે આખરી ગણાશે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નાના મવા રોડ પર ભીમનગર ચોક પાસે આવેલી “કિંગ ઓફ ફૂડ” નામની પેઢીમાંથી 8 કિ.ગ્રા. વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી અને મંચુરિયન જેવો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ઉપરાંત, મવડી રોડ પર આવેલી “બાલાજી ઢોસા” અને “શ્રી રેસ્ટોરેન્ટ” ને હાઈજેનિક કન્ડિશન તેમજ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા જય ભીમ ચોક અને રેસકોર્ષ વિસ્તારમાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વેપાર કરતા 07 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં મારુતિ જનરલ સ્ટોર, મેલડી કૃપા પ્રોવિઝન, જેનીલ કાવો અને શ્રી રાજલ ઘૂઘરા સહિતના એકમોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *