રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે ખાસ એક દિવસની ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રેસકોર્સમાં આવેલી આર્ટ ગેલેરી નજીક મોબાઈલ ભૂલી બાળકોએ જૂની વિસરાયેલી 30 રમતોનો આનંદ માણ્યો હતો. અને ડાન્સ, રંગોળી, લીંબુ ચમચી, કોથળા દોડ, ચેસ સહિતની રમતોની રમઝટ જામી હતી.
બાળકો જ નહીં મોટેરાઓ પણ મોટી સંખ્યામાં વિસરાયેલી રમતોનો આનંદ માણવા પહોંચ્યા હતા. અને 30 જેટલી રમતોની મજા માણી હતી. અને દર રવિવારે ફનસ્ટ્રીટ યોજવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી હતી.
ફનસ્ટ્રીટનાં આયોજક જીતુ ગોટચાએ જણાવ્યું હતું કે, ચિત્રનગરી દ્વારા સ્વચ્છતા માટે આજે ખાસ ફનસ્ટ્રીટનું આયોજન કરાયું છે. જેમાં અંદાજે 2 હજાર કરતા વધુ લોકોએ જૂની વિસરાયેલી રમતોનો આનંદ માણ્યો હતો. આજે મોબાઈલના યુગમાં લોકો ફીઝીકલ ગણાય તેવી જૂની રમતો રમવાનું ભૂલ્યા છે. જોકે આવી રમતો રમવી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી હોય છે. ત્યારે ચિત્રનગરી દ્વારા મનપાનાં સહયોગથી ફનસ્ટ્રીટનું આયોજન કરાય છે. શાળાએ જવા માટે નહીં ઉઠતા બાળકો સામેથી ઉઠી ગયા હતા. અને વહેલી સવારથી માતા-પિતા સાથે અહીં પહોંચ્યા હતા. નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો પણ ફનસ્ટ્રીટમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમ્યા હતા.