રાજકોટમાં 181-1098 અને પોલીસનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન

રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે માનવીય સંવેદના અને ઝડપી કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક જાગૃત નાગરિકની સતર્કતા અને સરકારી તંત્રની નિષ્ઠાને કારણે 8 વર્ષનો એક બાળક જે રસ્તો ભટકી ગયો હતો, તે ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે તેના માતા-પિતા પાસે પહોંચી શક્યો છે.

ઘટનાની વિગત મુજબ, 181 હેલ્પલાઇન પર એક નાગરિકે બાળક એકલું હોવાની જાણ કરી હતી. કાઉન્સેલર બીનાબેન ગોહિલ અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને વિશ્વાસમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાળકના વાલી-વારસની ભાળ ન મળતા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 ના યોગેશભાઈ અને પિયુષભાઈની ટીમને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ટીમ દ્વારા અટિકા વિસ્તાર, નજીકની શાળાઓ અને પુલ નીચેના રહેણાંક વિસ્તારોમાં બાળકના ફોટા સાથે તપાસ કરવામાં આવી હતી.

અંતે મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપાયો હતો, જ્યાં પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતોનો ઉપયોગ કરી બાળકના ભાઈને શોધી કાઢ્યો હતો. બાળકના માતા-પિતાની ઓળખ ચકાસ્યા બાદ બાળકને તેમને સોંપવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓએ વાલીઓને ઠપકો આપતા સમજાવ્યું હતું કે, નાની ઉંમરના બાળકોને એકલા બહાર મોકલવા એ ગંભીર બેદરકારી છે. બાળકના પરિવારે પોતાની ભૂલ સ્વીકારી તમામ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તંત્રએ અપીલ કરી છે કે જ્યારે પણ કોઈ બાળક સંકટમાં દેખાય ત્યારે તુરંત 181 કે 1098 પર જાણ કરવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *