રાજકોટમાં 17 વર્ષથી ભાડાના બે રૂમમાં ધમધમતી સરકારી સ્કૂલ

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા આજે રાજકોટના પ્રવાસે છે, ત્યારે તેઓએ સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમા ખોડીયાર સ્કૂલ નંબર 76ના રૂ.2.63 કરોડના ખર્ચે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતુ. જોકે, આ તકે કોંગ્રેસના કોર્પોરેટરો અહીં પહોંચ્યા હતા અને શિક્ષણ મંત્રીનું બુકે આપી સ્વાગત કર્યુ હતુ. જે બાદ વશરામ સાગઠિયાએ આવકાર આપતી સ્પીચ સમયે સ્ટેજ પરથી વોર્ડ નંબર 15માં ભાડાના મકાનમાં માત્ર બે રૂમમાં 17 વર્ષથી ધમધમતી સ્કૂલ નંબર 99ને જમીન ફાળવી નવું બિલ્ડિંગ બનાવવા માગ કરી હતી.

બાદમાં શિક્ષણ મંત્રીને સ્કૂલ નં. 99 વિશે મીડિયાએ સવાલ કરતા ગેંગેંફેંફેં થઈ આમતેમ ડોકી ફેરવી હતી. આ સમયે બાજુમાં હાજર ધારાસભ્ય ઉદય કાનગડે ડો. પ્રદ્યુમન વાજાનું મીડિયાના સવાલોથી રેસ્ક્યૂ કરી કામ પાઈપલાઈનમાં હોવાનું જણાવી કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો.

આજે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ હસ્તે આજી વસાહતમાં શ્રીમા ખોડીયાર સ્કૂલ નંબર 76ના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરી તખ્તીનું અનાવરણ કર્યું હતું. બાદમાં સ્કૂલની સાયન્સ લેબોરેટરીની મુલાકાત લીધી હતી, પરંતુ તે વખતે જ માઈક્રોસ્કોપ મશીન ચાલ્યું ન હતું. બાદમાં પ્રદ્યુમન વાજાએ મીડિયા સાથા વાત કરતા જણાવ્યું હતું કે, છોટાઉદેપુરમાં નસવાડીમાં સરકારી સ્કૂલમાં શિક્ષક બે દિવસથી હાજર નથી, જેથી ગ્રામજનો દ્વારા સ્કૂલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યું છે જે અંગે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને અમરેલી જિલ્લા વિધાસભાના પૂર્વ નિયામક ડૉ. ગિરીશ ભીમાણીએ વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના કરતૂત અંગે પૂછવામાં આવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, તે સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *