કચ્છ અને સૌરાષ્ટ્રની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર લઈ જવા અને આ વિસ્તારને નિકાસનું પ્રમુખ કેન્દ્ર બનાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC-2026) સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ કોન્ફરન્સના ફળસ્વરૂપે સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર પંથકમાં કુલ Rs 5,78,330 કરોડના તોતિંગ રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5,492 પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. (Memorandum of Understanding) કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ તમામ દરખાસ્તોને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં અંદાજે 6,26,253 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. મકરસંક્રાંતિના આ પર્વે આ ક્ષેત્રમાં સાચા અર્થમાં ‘વિકાસની સંક્રાંતિ’નો પ્રારંભ થયો છે.
જિલ્લાવાર રોકાણની વિગતો:
પ્રાપ્ત થયેલી સત્તાવાર માહિતી અનુસાર, રોકાણની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. કચ્છમાં Rs 1,25,017 કરોડના ખર્ચે કુલ 458 પ્રોજેક્ટ્સ સાકાર થશે, જે 48,419 લોકોને રોજગાર આપશે. બીજા ક્રમે રહેલા ભાવનગર જિલ્લામાં Rs 60,176 કરોડના રોકાણ સાથે 306 એમ.ઓ.યુ. થયા છે, જેમાં સૌથી વધુ 1,84,606 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. ત્રીજા સ્થાને અમરેલી જિલ્લામાં Rs 36,275 કરોડના 62 પ્રોજેક્ટ્સ થકી 1,11,447 લોકોને કામ મળશે.
રાજકોટ અને દેવભૂમિ દ્વારકાની સ્થિતિ: ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 2,921 પ્રોજેક્ટ્સ માટે Rs 23,160 કરોડના કરારો થયા છે, જે 39,423 રોજગારીની તકો ઉભી કરશે. જ્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં રોકાણકારોએ વિશેષ રસ દાખવતા Rs 34,439 કરોડના 85 સમજૂતી કરારો કર્યા છે, જેનાથી 11,514 લોકોને રોજગાર મળશે.