રાજકોટ-મોરબી હાઇવે પર કાર અકસ્માતમાં બે બાળકનાં મોત

રાજકોટ-મોરબી હાઈવે પર 14 જાન્યુઆરીની મોડીરાત્રે સ્કોર્પિયો અને I-20 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયો કારનો બુકડો બોલી ગયો હતો. આ ઘટનામાં બે બાળકનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વાછકપર બેડી ગામના મોક્ષ બાબરિયા (ઉં.વ. 3) અને વાંકાનેર ગામની શ્રેયા મદરેસણિયા (ઉં.વ. 9)નાં મોત નીપજ્યાં છે.

સ્કોર્પિયો કારે I-20ને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત મળતી માહિતી મુજબ, રાજકોટ નજીક બેડી વાછકપર ગામે રહેતા બાબરિયા પરિવાર ગઈકાલે મકરસંક્રાંતિ પર્વ મનાવવા વાંકાનેર ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો અને મોડીરાત્રે પોતાના ગામ બેડી વાછકપર પરત આવતો હતો. આ દરમિયાન I-20 કારમાં તેમની સાથે મદરેસણિયા પરિવાર પણ હતો. ત્યારે કાગડદી પાટિયા પાસે વળાંક લેતા સમયે રાજકોટ તરફથી આવતી સ્કોર્પિયો કાર (GJ-04-FA-7771)એ I-20 કારને અડફેટે લીધી હતી.

I-20માં સવાર બંને માસિયાઈ ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય પરિવારજનો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતમાં મૃત્યુ પામેલાં બંને બાળકોના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *