વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફોરન્સ આજે પૂર્ણ થઇ છે અને હવે આગામી 15 તારીખ સુધી એક્ઝિબિશન ચાલુ રહેશે જેને દરેક જનતા નિહાળી શકશે. તેમજ દરરોજ સાંજે 5.30 વાગ્યે એક્ઝિબિશનમાં લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આ સમિટની મુલાકાત લીધી હતી અને તેમને સૌર ઉર્જા અંગે ખાસ ચર્ચા વિચારણા કરી હતી. આ કોન્ફરન્સ દરમિયાન રૂપિયા 5.78 લાખ કરોડના રોકાણના 5492 સમજૂતિ કરાર થયા હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજ રોજ સીરામીક સેમિનાર પણ યોજાયો હતો, જેમાં કુલ 1460 કરોડના મહત્વપૂર્ણ MOU થયા હતા.
સોલાર એનર્જી ક્ષેત્રમાં રિવર્સ ઓક્શન પ્રક્રિયાઓ શરૂ કરાઈ પિયુષ ગોયલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી ત્યારથી સૌર ઉર્જા ક્ષેત્રે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ સૌર ઉર્જાને લઈ તેમની દૃષ્ટિ સ્પષ્ટ હતી, જોકે તે સમયે તેમના નિર્ણયોની ટીકા પણ થઈ હતી. સૌર ઉર્જામાં એક વખત રોકાણ કરવાથી લાંબા સમય સુધી લાભ મળે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 2030 સુધી 20 મેગાવોટ સોલાર એનર્જીનું લક્ષ્યાંક નક્કી કરાયું હતું.
નરેન્દ્ર મોદીએ વધારીને 100 મેગાવોટ કર્યું અને તેની સમયમર્યાદા 2030ના બદલે 2022 સુધી લાવવામાં આવી હતી. સોલાર એનર્જી ક્ષેત્રમાં રિવર્સ ઓક્શન જેવી નવી પ્રક્રિયાઓ પણ મોદી સરકારના શાસનકાળમાં શરૂ કરવામાં આવી. રૂફટોપ સોલાર યોજના દ્વારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.