રાજકોટ શહેરમાં વસતા કિડનીની બીમારીથી પીડાતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલગ-અલગ 4 વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર હવે ડાયાલિસિસની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 180 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે અને અંદાજે રૂ. 54,000થી વધુની બચત કરી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં જે ડાયાલિસિસ માટે દર્દીઓને મોટો આર્થિક બોજ સહન કરવો પડે છે, તે ગુણવત્તાયુક્ત સારવાર હવે પાલિકાના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી છે.
દરેક સેન્ટર પર 8 અત્યાધુનિક મશીનો કાર્યરતઃ અધિકારી આરોગ્ય અધિકારી ડો જયેશ વાંકાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાના કુલ 4 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર અને નાનામવા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે. આ ચારેય કેન્દ્રો પર અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યૂટ (IKDRC)ના સહયોગથી ડાયાલિસિસ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેન્ટર પર 2 મશીન મળીને કુલ 8 અત્યાધુનિક મશીનો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં મહાનગરપાલિકાએ મશીનરી અને RO પ્લાન્ટ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ સ્ટાફનો સપોર્ટ IKDRC સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે.