ગોંડલ રાજ્ય અને તેની વિરાસત રાજવી કાળથી જ જાજરમાન રહ્યું છે ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગોંડલના છેવાડા પાસેનું જ કહી શકાય તેવું બીલીયાળા ગામ એટલે દરેક ગામથી ચડિયાતું ગામ આવેલું છે.
નોંધનીય છે કે ગોંડલના સવાયા રાજવી સર ભગવતસિંહજીની દુરંદેશી દ્રષ્ટિ અને વિઝન ગામની રચના, તેની બાંધકામ શૈલી અને એ વખતથી જ વિકાસ પરથી તાગ મેળવી શકાય. એ વખતના ગોંડલ રાજ્ય હાલમાં તાલુકાના મોટાભાગના ગામડાં સમૃધ્ધ રહ્યા છે. અહીં વાત થઇ રહી છે તે ગોંડલનું બિલીયાળા ગામ છેવાડાનું હોવા છતાં તમામ સ્તરે સમૃધ્ધ બની રહ્યું હોવાથી અહીં કોઇને કશી વાતે મણા નથી. જે વિકાસ કામ અધુરા છે અથવા તો ચાલી રહ્યા છે તે ગતિશીલ છે.
બીલીયાળા ગામના સરપંચ દિપકભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં સો ટકા રોડ રસ્તા ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રીટ લાઇટના કામ પૂર્ણ થયેલા છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ ગામ છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ અમારા ગામમાં રામદેવપીર નું મંદિર બિલેશ્વર મહાદેવનું મંદિર રાંદલ માતાજી તેમજ ખોડીયાર માતાજીના મંદિરો આવેલા છે
ગામની વસ્તી 3000ની છે દરેક કુટુંબ પારિવારિક ભાવનાથી અહીં વસવાટ કરી રહ્યા છે. મુખ્ય વ્યવસાય આમ તો ખેતી છે પરંતુ ગામના અનેક યુવાનો ભણી ગણીને બહાર સ્થાયી થઇને અન્ય વ્યવસાયમાં આગળ વધીને રોજગારી મેળવી રહ્યા છે.