રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાનોના ખસીકરણ અને વ્યંધીકરણ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવતો હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે.
શહેરની જૂની મહેશ્વરી સોસાયટીમાં હાલમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
બાળકોને શ્વાનો કરડવા માટે દોડે છે મહેશ્વરી સોસાયટીમાંથી સામે આવેલા દ્રશ્યો અત્યંત ભયજનક છે. શેરીમાંથી પસાર થતા બાળકોને શ્વાનો કરડવા માટે દોડે છે, જેના કારણે બાળકો માનસિક રીતે ડરી ગયા છે. શ્વાનનો ત્રાસ માત્ર લોકો પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સ્થાનિકોની પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા રાજકોટ મનપામાં અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સોસાયટીમાં શ્વાનના ત્રાસના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે.