ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની ‘વાઇબ્રન્ટ પ્રગતિ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહેસાણા બાદ હવે રાજકોટમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છના MSME ઉદ્યોગો તેમજ પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક મંચ પૂરો પાડશે. આ કોન્ફરન્સમાં 30 દેશોના જ્વેલર્સ અને 350થી વધુ વિદેશી ડેલિગેટ્સ ભાગ લેવાના છે, જે અંતર્ગત પ્રથમ વખત વિદેશી સેલર્સ અને બાયર્સ રાજકોટની અલગ અલગ 18 ફેક્ટરીઓની મુલાકાત લઈ જ્વેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જ્વેલરી નિહાળશે. જેનાથી રાજકોટના ઘરેણાંને વૈશ્વિક ઓળખ પણ મળશે.

આઝાદી પૂર્વે લેથ મશીન અને ખીલીના ઉત્પાદનથી શરૂ થયેલી રાજકોટની ઔદ્યોગિક સફર આજે લક્ઝુરિયસ કારના પાર્ટ્સથી લઈને ફાઇટર પ્લેન અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ સુધી પહોંચી છે, ત્યારે આ સમિટ દ્વારા આગામી સમયમાં એરો સ્પેસ, ઓટોમોબાઈલ અને કાસ્ટિંગ ક્ષેત્રે કરોડોના રોકાણ અને લાખો નવી રોજગારીની તકો સર્જાશે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.

આઝાદી પૂર્વેથી ઔદ્યોગિક પાર્ટ્સથી લઈને મશીન્સના ઉત્પાદનમાં રાજકોટની પ્રગતિ ‘વાઇબ્રન્ટ’ રહી છે. એક સમયે રાજકોટ ખીલીના મશીનનું ઉત્પાદન અને નિકાસ કરતું હતું. આજે એ જ રાજકોટમાં મોંઘીદાટ લક્ઝુરિયસ કારથી લઈને ફાઇટર પ્લેનના પાર્ટ્સનું પણ ઉત્પાદન કરી રહ્યું છે. 1941-42માં રાજકોટમાં પ્રથમ ‘લંડન લેથ મશીન’ હંસરાજભાઈ વાલંભિયાએ વસાવ્યું હતું. આ પહેલા એક ફૂટ ઓપરેટેડ નાનો લેથ સાંગણવા ચોકમાં હતો, જેમાં સોઈંગ મશીનના પાર્ટનું રિપેરિંગ થતું હતું. ત્યારબાદ 1946માં નેશનલ વાયર પ્રોડક્ટ કંપની રવિભાઈ વાંકાણી દ્વારા સ્થાપવામાં આવી અને આ કંપનીએ ખીલી બનાવવાના મશીનો જાતે બનાવ્યા અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી હતી. આજે પણ આ કંપનીના વિવિધ મશીનની નિકાસ અન્ય દેશોમાં થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *