રાજકોટમાં આજી રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણરૂપ 1350 મિલકત ધારકોને મકાન અને દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. સાબરમતી નદી કાંઠેની રૂ.400 કરોડની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત 29થી 31 ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જે બાદ ફરી નોટિસ આપી 8 જાન્યુઆરીને ગુરૂવારથી બીજું હિયરિંગ શરૂ કરાયુ છે. મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર અને દુકાનના લાઈટ બિલ, વેરા બીલ સહિતના પુરાવાઓ લઈને પૂર્વ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા હતા, જેને લઈને રાજકોટ મામલતદાર કચેરી બહાર લાંબી કતાર જોવા મળી હતી.
અમદાવાદની સાબરમતી નદીના બેઉ કાંઠે બનેલા રમણીય રિવરફ્રન્ટને જોઈને દરેક રાજકોટવાસીના મનમાં વર્ષોથી એક જ સવાલ થઈ રહ્યો છે કે, રાજકોટમાં આજી નદીના કાંઠે આવો રિવરફ્રન્ટ ક્યારે બનશે? જોકે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તારમાં વિકસાવવા જાહેરાત કરવામાં આવી રહી છે. 2022માં એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ એટલે કે, પર્યાવરણની મંજૂરી મળ્યા બાદ હવે પ્રોજેક્ટનું કામ આગળ વધારવા જાહેરાત સતત 15 વર્ષથી બજેટમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક કદમ આગળ વધી તંત્રએ રાજકોટ વાસીઓને રિવરફ્રન્ટ આપવા માટે કાર્યવાહી શરૂ કરી હોય તેમ આ વિસ્તારમાં સરકારી જગ્યા પરના 1350 દબાણો દૂર કરવા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી છે.