સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત આગામી તા.11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશમાંથી ઉમટી પડનારા હજારો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા ખાસ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાળુઓને સોમનાથ પહોંચાડવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ડિવિઝનોમાંથી કુલ 1800 જેટલી બસો ફાળવવાનું આયોજન કરાયું છે. આ આયોજન હેઠળ રાજકોટ ડિવિઝનમાંથી 200 બસોની ફાળવણી કરવામાં આવશે.
આ ઉપરાંત જૂનાગઢ, વેરાવળ, અમરેલી અને જામનગર ડિવિઝનમાંથી પણ મોટી સંખ્યામાં બસો મેળવવામાં આવશે. તા.11ના રોજ યોજાનારા ખાસ સંચાલનને કારણે સૌરાષ્ટ્રભરના ગ્રામ્ય રૂટોની બસ સેવા પર અસર પડવાની સંભાવના છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા પણ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ ભવ્ય પર્વમાં જોડાનારા લોકોને પરિવહનમાં મુશ્કેલી પડે નહીં. આમ, વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.