11 કિમી દૂર રાજકોટ-અમદાવાદ હાઈવે પર એરપોર્ટ પહેલા ટોલનાકાથી વિવાદ

રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

શહેરના બસ સ્ટેશનથી 11 કિમી દૂર જ એરપોર્ટ પહેલાં જ ટોલનાકું મૂકવાની યોજનાને લઈ સ્થાનિકો, ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 4 વર્ષથી વિરોધ બાદ પણ આ ટોલનાકાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાલુ છે અને માર્ચ-2026 પહેલા આ ટોલનાકું કાર્યરત થતા હવાઈ મુસાફરો, ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતો પર મોટો કરબોજ આવે તેમ હોવાથી આ ટોલનાકું એરપોર્ટ પછી લઈ જવાની માગણી કરવામાં આવી છે. જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર જનઆંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની તદ્દન નજીક ટોલ પ્લાઝા ઊભો કરવામાં આવી રહ્યો છે. જેનું સ્થળ અને આયોજન શહેરી હિતોને ધ્યાનમાં લીધા વગર નક્કી કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *