રાજકોટ અને મોરબી પંથકમાં ચકચારી બનેલા સાહિલ માજોઠીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. યુક્રેનની જેલમાં કેદ બનેલા મોરબીના યુવક સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે તેના પરિવાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ આજે રાજકોટ ખાતે આવી સાંસદ પરસોતમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી અને પોતાના પુત્રને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી ભાવુક રજૂઆત કરી હતી. જવાબમાં સાંસદ રૂપાલાએ પણ વિદેશ મંત્રી એસ. જયશંકરને મળી આ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
સાહિલની માતા હસીનાબેને દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સાંસદ પરસોતમ રૂપાલાને મળીને રજૂઆત કરી છે કે મારો પુત્ર નિર્દોષ છે અને તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. યુક્રેન સરકાર સાહિલ માજોઠીને ભારત પરત મોકલવા માટે સહમત છે અને તેઓ તેને મુક્ત કરવા તૈયાર છે. આ પ્રક્રિયા માટે ભારત સરકાર તરફથી જરૂરી કાર્યવાહી અને સત્તાવાર મંજૂરીઓની જરૂર છે.
વધુમાં હસીનાબેને જણાવ્યું હતું કે, સાંસદ પરસોતમ રૂપાલાએ મારી આપવીતી સાંભળી મને સાંત્વના પાઠવી હતી. તેમજ ખાતરી આપી હતી કે તેઓ જાતે આ ગંભીર મુદ્દે રૂબરૂમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરશે અને સાહિલને વહેલી તકે ભારત પરત લાવવા રાજદ્વારી સ્તરે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. તમારા પુત્રનું પરિવાર સાથે મિલન કરાવા અને તેને ભારત પરત લાવવા માટે સરકાર દ્વારા જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે. અને વહેલામાં વહેલી તકે સાહિલને પરત લાવવામાં આવશે.