ગાંધીનગરમાં તાજેતરમાં નોંધાયેલા પાણીજન્ય અને ખોરાકજન્ય ટાઇફોઇડના રોગચાળાએ માથુ ઉંચકતા રાજય સરકાર હરકતમાં આવી છે. હવે રાજ્યભરમાં પાણી અને ખાદ્ય પદાર્થોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં પણ પાણીપુરી જેવા ખોરાકના પાણીના કારણે આવો રોગચાળો ન પ્રસરે તે માટે મહાપાલિકા તંત્ર એકશનમાં આવ્યું છે. ગઇ કાલથી અલગ અલગ વિસ્તારમાં પાણીપુરીના લારીવાળા અને દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે મેગા ડ્રાઇવ શરૂ કરી છે.
પાણીપુરીના શોખીનોએ ચેતવા જેવી હકીકત સામે આવી છે. અત્યાર સુધીમાં 40થી વધુ ધંધાર્થીઓને ત્યાં તપાસ કરતા 10 જગ્યાએથી અખાદ્ય અને વાસી પાણી, બટેટા સહિત 72 કિલો સામગ્રી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. સાથે મકરસંક્રાંતિ પર્વમાં વધુમાં વધુ વેંચાતી ચીકીનાં અલગ-અલગ 4 નમૂનાઓ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ઝોનમાં રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીપુરીના વિક્રેતાઓ પર ત્રાટકી સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિના તહેવાર નજીક હોવાથી ખાણીપીણીની શુદ્ધતા જાળવવાના હેતુથી તંત્ર દ્વારા ચીકીના ઉત્પાદન અને વેચાણના સ્થળોએ પણ કડક તપાસ કરવામાં આવી હતી.
આ ઝુંબેશ દરમિયાન કુલ 40 પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી અંદાજિત 72 કિલો/લિટર સડેલા બટેટા અને વાસી પાણી મળી આવ્યું હતું. જે આરોગ્ય માટે જોખમી હોય આ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મકરસંક્રાંતિનાં પર્વને ધ્યાનમાં રાખીને શહેરમાં વિવિધ સ્થળોએથી ચીકીના 4 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.