બાંગ્લાદેશની ટીમ ટી-20 વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે. આ જાણકારી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા આપવામાં આવી છે. બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પાસે પોતાની ટીમના મેચ શ્રીલંકામાં યોજવાની માગ પણ કરી છે.
બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને BCCIના આદેશ પર IPL માંથી બહાર કર્યા બાદ BCBએ આ નિર્ણય લીધો છે.
હવે ICC નક્કી કરશે કે બાંગ્લાદેશના મેચ શ્રીલંકામાં થશે કે નહીં. યુનુસ સરકારમાં રમતગમત સલાહકાર (રમતગમત મંત્રી) આસિફ નઝરુલે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપતા BCBના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાવાનો છે. મેચોનું શેડ્યૂલ બદલવું સરળ નથી કારણ કે તમામ ટીમોની ટિકિટો અગાઉથી બુક થઈ ગઈ છે.
બાંગ્લાદેશના ગ્રુપ સ્ટેજમાં તમામ ચાર મુકાબલા ભારતમાં જ શેડ્યૂલ છે. જેમાંથી ત્રણ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર અને એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં છે.
ભારત નહીં જાય બાંગ્લાદેશ- BCB
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ જણાવ્યું છે કે, ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોર્ડે સરકાર સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય લીધો છે કે અમારી ટીમ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. બોર્ડે આ સંદર્ભમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પણ સત્તાવાર મેઇલ મોકલી દીધો છે. અમે ટીમના તમામ મેચ શ્રીલંકામાં યોજવા માગીએ છીએ.