રાજકોટ શહેરમાં સતત વધી રહેલા રોગચાળાને કાબૂ કરવા માટે ફૂડ વિભાગ પણ સક્રિય બન્યું છે અને ઠેર- ઠેર વહેંચાતા અખાદ્ય પદાર્થો ઝડપી લઈ તેનો નાશ કરવા તેમજ વેપારીઓને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ફૂડ વિભાગ દ્વારા અમીનમાર્ગ સહિતનાં વિસ્તારમાંથી કુલ 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 9 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. આ સાથે મીઠા માવા સહિતની વસ્તુના નમુના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ફૂડ પોસ્ટ”, અમીન માર્ગ, 150 રિંગ રોડ કોર્નર, RMC ગ્રાઉન્ડ, રાજકોટની તપાસ કરતાં સ્ટોર રૂમ તેમજ ફ્રીઝમાં સંગ્રહ કરેલા વિવિધ ખાદ્ય ચીજો જેવી કે ઘઉંનો લોટ 15 કિ.ગ્રા., બટેટા 4 કિ.ગ્રા., બટેટાનો મસાલો 3 કિ.ગ્રા., ઢોસાનો મસાલો 4 કિ.ગ્રા., બ્રેડ 4 કિ.ગ્રા., ચટણી 3 કિ.ગ્રા. મળી 33 કી.ગ્રા. વાસી/સડેલા / એક્સપાયરી ડેટ વીતેલા અખાદ્ય ચીજોનો નાશ કર્યો હતો. તેમજ યોગ્ય સ્ટોરેજ તથા હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે વેપારીને નોટિસ આપવામાં આવી હતી.