ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને આજે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.
જ્યારે પ્રેમલગ્નની નોંધણી માટેના કાયદા પર પ્રશ્ન પૂછતાં પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાગીને લગ્નના કાયદા બાબતે સરકાર વિચાર કરી રહી છે. જેની કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી હતી. બેઠકમાં ખાસ કરીને વધતા સાયબર ફ્રોડ મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ફ્રોડ માટે મોકલાતી લિંકમાં છુપાયેલા વાયરસ મારફતે ડેટા ચોરી થતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. Dy. Cm. હર્ષ સંઘવીએ પોલીસ વિભાગ સાથે સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે ખાસ ચર્ચા કરી હોવાનું પણ જણાવાયું હતું. સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઈન કાર્યરત હોવાનું સરકારે ફરી એકવાર જનતાને યાદ અપાવ્યું છે.
જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચના કેબિનેટ બેઠકમાં ગ્રામિણ સહકારી બેંકોના વ્યાપ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યની 9 સહકારી બેંકોને નાબાર્ડ મારફતે વધુ લાભ મળે તે દિશામાં સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે રાજ્યના સર્વાંગી વિકાસ માટે જિલ્લા સ્તરે GDP ગ્રોથ વધારવા મુખ્ય સચિવને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.