દેશમાં ડુપ્લિકેટ દવાઓનો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને ગત જુલાઇમાં રાજકોટમાંથી પણ મોટા પાયે ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો હતો આથી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડુપ્લિકેટ દવાઓનો વેપાર અટકાવવા વેપારીઓએ હવે રાજકોટ બહારથી માલની ખરીદી કરવી નહીં અને રાજકોટમાં દવા કંપનીના ઓથોરાઇઝડ ચેનલ ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી જ માલ ખરીદવો ફરજિયાત કરવાનો નિર્ણય અમલી કરાયો છે.
કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી અનિમેશ દેસાઇએ જણાવ્યું હતું કે, WHOએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં ઓછામાં ઓછી 20થી 25 ટકા ડુપ્લિકેટ દવાઓ વેચાઇ છે. રાજકોટની દવા બજારમાં પણ ડુપ્લિકેટ દવાઓનો વધતો કારોબારને ધ્યાનમાં રાખી રાજકોટની બહારથી માલની ખરીદી નહીં કરવા અને રાજકોટમાં કંપનીએ નિમેલા સ્ટોકિસ્ટ પાસેથી જ રિટેલર અને સેમી હોલસેલરે માલની ખરીદ કરવાનો નિર્ણય લેવાયો છે.
રાજકોટ અમુક સ્ટોરમાં 20-20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હકીકતમાં લાઇફ સેવિંગ ડ્રગ્સમાં 16 ટકા જ માર્જિન છે તો 20 ટકા ડિસ્કાઉન્ટ આપવું કેવી રીતે પોષાય તે પણ તપાસનો વિષય છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ આપવા માટે વેપારીઓ બહારથી દવા લાવે છે અને તેમાં ડુપ્લિકેટ દવાઓનો વેપલો વધ્યો છે. આથી હવે ખોટી દવા વેચાતી અટકાવવા આ નિર્ણય કરાયો છે.
ડુપ્લિકેટ દવા સાથે પણ વેપારી પકડાશે તો લાઇસન્સ રદ કરવા કાર્યવાહી થશે રાજકોટમાં થોડા સમય પહેલાં ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયા બાદ કેમિસ્ટ એસોસિએશને જનજાગૃતિ કેળવવા કમિટીની રચના કરી છે અને હવે જો કોઇ મેમ્બર ગેરરીતિ કરી બહારથી દવા લાવતો હશે, ડુપ્લિકેટ દવાના જથ્થા સાથે પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરવા કાર્યવાહી કરાશે.