વધતા જતા સાયબર ક્રાઇમને અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન “મ્યુલ હન્ટ” શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટ ધારકો સામે તવાહી બોલાવવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર મળી 5 જિલ્લામાં 1077 એકાઉન્ટ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે, જેમાં કુલ 19.25 કરોડ જેટલી રકમ ઠાલવવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે 54 ફરિયાદ નોંધી 51 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બાકીના આરોપીઓ અંગે શોધખોળ તેમજ અન્ય મ્યુલ એકાઉન્ટ અંગે પણ તપાસ શરૂમાં છે.
ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઓપરેશન કારાવાસ અંતર્ગત પણ રાજકોટ રેન્જમાં કુલ 50 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જે પૈકી 5 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
5 જિલ્લામાં 1077 મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ અંતર્ગત આવતા 5 જિલ્લાઓમાં પ્રાથમિક તબક્કે મળેલ માહિતીના આધાર પર 1077 મ્યુલ એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં કુલ 19.25 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગઈકાલ સાંજ સુધીમાં તમામ પાંચ જિલ્લાઓમાં કુલ 54 ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 51 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મામૂલી રકમ મેળવી લોકો પોતાનું એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે અને આ પછી તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે થાય છે.
લોકોને પણ અપીલ છે કે આવી રીતે પોતાનું બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે આપવામાં ન આવે. અત્યર સુધીની તપાસમાં મુખ્ય આરોપીઓ દ્વારા મ્યુલ એકાઉન્ટ હોલ્ડર ને શોધી 5થી લઇ 20 હજાર સુધીના ભાડામાં એકાઉન્ટ ભાળ આપી કરોડો રૂપિયાનું ફ્રોડ આચરી લેતા હોય છે અને પછી અન્ય રાજ્ય અને અન્ય દેશ સુધી આ રકમ પહોંચી જાય છે. જે આપણા દેશની ઈકોનોમીને પણ અસરકારક બને છે. માટે લોકોં ખાસ અપીલ છે કે બેન્ક એકાઉન્ટ જાણતા કે અજાણતા કોઈને ભાડે ન આપે.