ગુજરાતમાં શેરી-શેરીએ પાન પાર્લરો પર ડ્રગ્સ લેવા માટે વપરાતા ‘ગોગો પેપર’ના થઈ રહેલા વેચાણ અંગે ભાસ્કરના અહેવાલ બાદ સરકારે ‘ગોગો પેપર’ના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મંગળવારે સાંજે પ્રતિબંધાત્ક જાહેરનામુ બહાર પાડ્યા બાદ આજે સવારથી જ વિવિધ શહેરોના પાન પાર્લર પર પોલીસે કડક ચેકીંગ હાથ ધર્યું છે. સુરત, જૂનાગઢ સહિતના શહેરોની દુકાનમાંથી ગોગો પેપર મળી આવતા પોલીસે કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીઓને વેચાણ નહીં કડવા કડક ચેતવણી આપી છે.
ડ્રગ્સ અને ગાંજા જેવી બદીઓ સામે લડતા ગુજરાતમાં નશા માટે વપરાતા ગોગો પેપર જેવા સાધનો શાકભાજી કે કરિયાણાની જેમ ઘરના ઉંબરે ડિલિવરી થઈ રહ્યા હોવાનો દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો હતો. જેમાં ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ બ્લિન્કિટ ‘છૂપો ડ્રગ ડીલર’ બનીને બેરોકટોક ‘ગોગો પેપર’ સપ્લાય કરી રહી હોવાનું સામે આવ્યું હતું.
15 ડિસેમ્બરે ભાસ્કરે પ્રસિદ્ધ કરેલા સ્ટિંગ ઓપરેશન બાદ 16 ડિસેમ્બરે સુરત SOGએ બ્લિન્કિટના ગોડાઉન પર રેડ પાડી હતી. બીજી બાજુ ઓનલાઇન ચેક કરતા રાજ્યભરમાં ગોગો પેપર આઉટ ઓફ સ્ટોક હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ સાંજે રાજ્ય સરકારે પણ દુકાનો અને પાનના ગલ્લાઓ દ્વારા રોલિંગ પેપરના થતાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આમ સમગ્ર રાજ્યમાં રોલિંગ પેપરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય થતાં ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનનો હેતુ સફળ થઈ ગયો છે.