GCERT દ્વારા વર્ષ 2025-26 માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં મૌખિક અને સર્જનાત્મક કૌશલ્યો વિકસાવવા માટે બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે આ વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ સંસ્થા દ્વારા તમમાં પ્રાચાર્યોને કરેલા પરિપત્રોમાં જણાવાયું છે કે, નાના બાળકો માટેની ‘ડિજિટલ’ સ્પર્ધામાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર છે જેમાં વિભાગ-1 (બાલવાટિકાથી ધોરણ 2)ના બાળકોએ ઝોન કે રાજ્યકક્ષાએ રૂબરૂ જવાનું રહેશે નહીં. તેના બદલે તેમના વાર્તાકથનનો 5 મિનિટનો વીડિયો રેકોર્ડ કરી મોકલવાનો રહેશે. વીડિયો માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે વીડિયો મોબાઈલ આડો રાખીને ઉતારવો અને તેમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું નહીં વગેરે.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રોકડ પુરસ્કારો પણ જાહેર કરાયા છે. તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.500, જ્યારે જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ.1000નું ઇનામ આપવામાં આવશે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે વાર્તા લેખનમાં 20 મિનિટનો સમય અને 50 ગુણનું મૂલ્યાંકન રહેશે, જેમાં મૌલિકતા અને લેખનશૈલી પર ભાર મૂકવામાં આવશે.