ઉનાળાના પાણી માટે શિયાળામાં આયોજન, ચોમાસા સુધી ચાલે તેટલું 3150 MCFT પાણી આપવા કહેણ

રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગ કરવાની જાહેરાત કરાયા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવાયા હતા અને બાદમાં છેલ્લી ઘડીએ આ નિર્ણય મુલતવી રખાયો હતો અને હવે સંભવત: આ વર્ષે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું રિપેરિંગનું કામ શરૂ કરાય તો રાજકોટ શહેરને પાણીની કટોકટી ન ભોગવવી પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ પાસે સૌની યોજનાથી રાજકોટના જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમ ભરી દેવા 3150 એમસીએફટી નર્મદાનાં નીરની 1લી જાન્યુઆરીથી આપવા માગણી કરાઇ છે. જોકે સિંચાઇ વિભાગ આ નર્મદાના નીર 15મી જાન્યુઆરીથી આપે તો પણ રાજકોટ શહેરને પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી પડે તેમ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટમાં શિયાળાની ઋતુ ધીમેધીમે જમાવટ લઇ રહી છે અને હવે આગામી ચોમાસા સુધી શહેરના દરેક વિસ્તારોમાં દૈનિક 20 મિનિટ પાણી આપી શકાય તેમાં કોઇ વિક્ષેપ ન પડે તે માટે મહાનગરપાલિકાએ કવાયત આદરી છે અને તેના ભાગરૂપે સૌની યોજનાના નીરની રાબેતા મુજબ નવેમ્બર માસમાં પત્ર લખી સરકાર પાસે માગણી કરી છે.

મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરને હાલ દૈનિક 450 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. જેમાં 135 એમએલડી પાણી જીડબલ્યુઆઇએલ મારફત નર્મદા પાઇપલાઇન યોજના મારફત મેળવવામાં આવે છે અને બાકીનું 315 એમએલડી પાણી આજી અને ન્યારી ડેમમાંથી મેળવવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં આજી અને ન્યારી બન્ને ડેમ ભરાઇ જતા હાલમાં પાણીની કોઇ સમસ્યા નથી, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરૂ થાય તો પાઇપલાઇનથી મળતા નર્મદાના નીર મળવાના બંધ થઇ જાય અને તેમાં જો ચોમાસું ખેંચાઇ તો રાજકોટ માટે કટોકટી સર્જાય તેવી ભીતિને ધ્યાનમાં લઇ વોટર વર્કસ વિભાગે આગોતરું આયોજન કર્યું છે.

વોટર વર્કસ વિભાગે સિંચાઇ વિભાગને 1લી જાન્યુઆરીથી સૌની યોજના મારફત નર્મદાના 3150 એમસીએફટી નીર આપવા માગણી કરી છે, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો 2400 એમસીએફટી પાણી જ આજી-1 અને ન્યારી-1 ડેમ માટે લેવામાં આવશે, પરંતુ જો સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના રિપેરિંગની કામગીરી સરકાર શરૂ કરશે તો 3150 એમસીએફટી પાણીની જરૂરિયાત પડશે. આથી ભવિષ્યની અણધારી સ્થિતિને કારણે પાણીની કટોકટી ન સર્જાય તે માટે વોટર વર્કસ વિભાગે વધુ પાણીની ડિમાન્ડ અત્યારથી કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *