ગોંડલ અંડરબ્રિજમાં ભર શિયાળે પાણી ભરાયા

ગોંડલના મુખ્ય અંડરબ્રિજમાં ભર શિયાળાની કડકડતી ઠંડીમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આટલા મોટા પ્રમાણમાં પાણી ક્યાંથી આવ્યું તે મોટો સવાલ બન્યો છે. સ્થાનિકો રેલવે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.

હાડ થીજાવતી ઠંડીમાં લોકોને ઠંડા પાણીમાંથી પગપાળા ચાલવા મજબૂર બનવું પડ્યું હતું. ઉમવાળા ચોકડી તરફથી શહેરમાં મામલતદાર કચેરી, નગરપાલિકા અને અન્ય સરકારી કચેરીઓ તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી સવારથી જ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગોંડલ શહેરમાં પ્રવેશ માટે આ અંડરબ્રિજ એક મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાંથી દરરોજ નાના-મોટા અને ઈમરજન્સી વાહનો સહિત મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. પાણી ભરાવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. પાણી ભરાયેલા અંડરબ્રિજમાંથી 108 એમ્બ્યુલન્સ પણ પસાર થતી જોવા મળી, જેનાથી તાત્કાલિક સેવાઓ પર જોખમ ઊભું થયું હતું. સવારથી જ પાણીમાં પસાર થવાને કારણે અનેક નાના-મોટા વાહનો બંધ પડી ગયા હતા, જેનાથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *