ફાઇનાન્સ સંચાલકે રૂપિયા 15.60 લાખ લઇ નકલી સોનું ધાબડી દીધું

રાજકોટના સાધુ વાસવાણી રોડ અજંતા પાર્ક એપાર્ટમેન્ટ બ્લોક નં.1માં રહેતા અને અને સોની બજારમાં આવેલી હિંમત ગોલ્ડ સેન્ટર નામની ઓફિસમાં 5 માસથી નોકરી કરતાં ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂતએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં પંકજભાઈ કિશોરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓની હિંમત ગોલ્ડ સેન્ટર નામની મેઈન ઓફિસ અમદાવાદ માણેક ચોકમાં આવેલી છે. જ્યાંથી ગત તા.24/11ના રોજ અમદાવાદ હેડ ઓફિસથી ફોન આવેલ અને તેઓને ચંદનસિંહે જણાવ્યું કે, લાલજીભાઈ ખોડાભાઈ જોગરાણા(રહે.લીંબડી સુરેન્દ્રનગર)ને 177.80 ગ્રામ જેટલું સોનું જે ગીરવે મૂકેલ છે તે સોનું વેચાણ કરવું હોય જેથી તેની પ્રોસેસ કરી રૂ.16 લાખ અમદાવાદ તેઓની ઓફિસે રૂબરૂ જઈ લઇ આવ્યા હતા.

બાદમાં લાલજીભાઈ સાથે 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ટ્રેન્ડસના શોરૂમ ઉપર સાતમા માળે ઓફિસ નં.703 ખાતે આવેલ ક્રિષા ફાઈનાન્સ નામની ઓફિસે જઈ ત્યાંના માલિક પંકજભાઈ કિશોરભાઈ વાયાને રૂબરૂ તેઓના કસ્ટમર લાલજીભાઈએ ગીરવે મૂકેલા ઘરેણાં છોડાવવાની વાત કરતા પંકજભાઈએ હિસાબ કરવા લાગેલ અને ત્યારબાદ તેઓએ સાથે લાવેલા 15.60 લાખ આપી દેતા પંકજભાઈનો માણસ ત્યાંથી રૂપિયા લઈને ચાલ્યો ગયો હતો. બાદમાં એકાદ કલાક પછી લોકરમાંથી ગીરવે મૂકેલા ઘરેણાં લઈને ફરી પાછો આવ્યો હતો. લાલજીભાઈએ બાદમાં આ ઘરેણાંની ખરાઈ કરતા તે સોનાના ન હોવાનું માલૂમ પડતા પંકજભાઈને કોલ કર્યો હતો. અને ઘરેણાં પરત લઇ રૂપિયા પાછા આપી દેવા જણાવ્યું હતું. પંકજભાઈએ તેઓને બાદમાં ઓફિસે આવી રૂપિયા પરત લઇ જવાનું કહી ઓફિસ બંધ કરી દેતા યુવકની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *