રાજકોટના આર્કિટેકે SOUમાં બનાવ્યું એશિયાનું સૌથી મોટું બોન્સાઈન વન

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સ્થિત કેવડિયા સંકુલમાં રાજકોટ શહેરના યુવાન આર્કિટેક્ટ રિશીન મિત્રાએ એક અદ્ભુત અને અનોખા પ્રોજેક્ટને સાકાર કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 3.5 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું આ બોન્સાઈ વન એશિયાનું સૌથી મોટું પબ્લિક ડિસ્પ્લે બોન્સાઈ પ્રોજેક્ટ બની ગયું છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વામન વૃક્ષ વાટિકા’ નામ આપ્યું છે. આ અનોખી વાટિકાનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદીએ ગત વર્ષે 31 ઓક્ટોબર, 2024ના રોજ કર્યું હતું, અને બરાબર એક વર્ષ બાદ આ વર્ષે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેમણે જ આ બોન્સાઈ વનનું લોકાર્પણ કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના અન્ય નેતાઓએ પણ આ નજરાણાની મુલાકાત લીધી હતી.

રિશીન મિત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, દેશ-વિદેશના લોકોને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ અનોખું અને યુનિક નજરાણું ઊભું કરવામાં આવ્યું છે, જે એશિયાનો સૌથી મોટો બોન્સાઈનો પબ્લિક ડિસ્પ્લે છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે છેલ્લા 2 વર્ષથી મહેનત ચાલી રહી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓથોરિટી, તેમના એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સની ટીમ સહિત સૌએ સાથે મળીને ખૂબ જ મહેનત કરી છે.

આ વાટિકાના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યાં પાણીના ઝરણાં છે તેવો વિસ્તાર ખાસ પસંદ કરવામાં આવ્યો હતો, કારણ કે બોન્સાઈ વૃક્ષોને પાણીની સતત જરૂરિયાત રહે છે અને તેમના નાજુક મૂળ (જડ)ને અલગ પ્રકારની માટી અને કાળજીની જરૂર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *