ભાજપને ઘમંડ આવી ગયો છે, ગુનેગારોને નહીં ખેડૂતોને જેલહવાલે કરે છે: કેજરીવાલ

જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લઇ રાજ્યમાં ગુનેગારોને તમામ સવલતો અને ખેડૂતોને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કરી ભાજપ સરકારને ઘમંડ આવી ગયાનો આક્રોશ ઠાલવ્યો હતો.

હડદડમાં પોલીસ સાથે થયેલી માથાકૂટ અને તે મામલે ગુનો નોંધાયા બાદ 88 ખેડૂતને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જેમાં 46 જામીન મુક્ત થયા છે અને બાકીના 42 હજુ જેલમાં છે. હડદડ મામલે જેલમાં ગયેલા ખેડૂત પરિવારના સભ્યોનો રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશન હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સન્માન કર્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, જેલમાં રહેલા અન્ય ખેડૂતોને છોડાવવા માટે વકીલોની ફોજ તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઇ રહ્યો છે તેને અટકાવાતો નથી, પરંતુ પોતાના માટે ન્યાય માગી રહેલા ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જ કરે છે, ટીયરગેસ છોડે છે, સરકાર એફઆઇથી રાજ્યના લોકોને ડરાવી રહી છે.જામનગરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ચંપલ ફેંકવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઇટાલિયા ભાજપ પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરે ચંપલ ફેંક્યું, કોંગ્રેસ ભાજપ બંને એક જ છે, તેમ કહી ભાજપને સત્તા બહાર ફેંકી દેવા હાંકલ કરી હતી. હડદડ મામલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા આપના આગેવાન રાજુ કરપડા સહિતનાઓને જેલમાં મળવા કેજરીવાલ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *