પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરામાં 5 વાગ્યે વધુ એક ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ થતાં વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રેલવે દ્વારા મોટા શહેરો, જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યુ છે.
અમદાવાદ એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ, આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઈટનો સમાવેશ થાય છે.