હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો

રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના 48 હજારથી વધુ હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હોમગાર્ડ જવાનની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ હતી, એમાં 3 વર્ષનો વધારો કરી 58 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન 58 વર્ષ સુધી ફરજ બજાવી શકશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ- 9 માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ થશે.

આ નિર્ણયથી હોમગાર્ડ સભ્યોમાં સેવા માટેનો જુસ્સો વધશે- હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રીહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડઝના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, વી.આઈ.પી. બંદોબસ્ત, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે, અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે.

આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોને વધુ ત્રણ વર્ષ રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનો મોકો મળશે. એટલું જ નહીં, હોમગાર્ડઝના સભ્યો માનદ હોય છે અને તેમના પર કૌટુંબિક જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી શકશે. હોમગાર્ડ્ઝ સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી, તેઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી રીતે પાર પાડવા પોલીસને વધુ મદદ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *