વોર્ડ-13માં પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ

રાજકોટના વોર્ડ નં. 13માં આજે રાત્રિના આશરે સાડા આઠ વાગ્યે પીવાના પાણીની લાઈન તુટતા પંચશીલ સોસાયટીથી માલવિયાનગર સહિતના વિસ્તારમાં ભરશિયાળે જળબંબાકાર સર્જાયો હતો અને લાખો લિટર પાણીનો વેડફાટ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ બે કલાક સુધી અધિકારીઓ ત્યાં ફરકયા નહોતા. જેને લઈને પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. અને આ વોર્ડમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવા છતા તંત્ર કોઈ ધ્યાન આપતું નહીં હોવાનો આક્રોશ વ્યકત કર્યો છે.

વોર્ડ-13ના કોર્પોરેટર જાગૃતિ ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડમાં તાજેતરમાં નાખવામાં આવેલી DI (Ductile Iron) પાણીની લાઇન વારંવાર તૂટી રહી છે. આ લાઇન તૂટવાનો ભ્રષ્ટાચારનો ભોરિંગ બહાર આવ્યો છે. હાલમાં શિવનગર, પંચશીલ સ્કૂલ પાસે પીવાના પાણીની મેઇન લાઇન અને ભૂગર્ભ ગટરની મેઇન લાઇન એકસાથે તૂટી ગઈ છે, જેના કારણે મોટું ગાબડું પડ્યું છે.

ગટરની લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળ્યું આ ભંગાણને કારણે ગટરની લાઇનનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી રહ્યું છે. આ દૂષિત પાણી હવે વિસ્તારના લોકોના ઘરોમાં વિતરણ થશે, જેનાથી રોગચાળો ફેલાવવાનો અને લોકો બીમાર પડવાનો ભય સર્જાયો છે. જાગૃતિ ડાંગરે આ સ્થિતિ માટે ભાજપના શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજી ગઈકાલે જ એક ભાઈએ વિડિયો મૂક્યો હતો કે વોર્ડ નંબર 13 માં રૂ. 69 કરોડના કામો કરાવ્યા છે, તો આ ભ્રષ્ટાચાર છે કે કામો? બે દિવસ પહેલાં બનેલો રોડ પણ આજે ખોદી નાખવામાં આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કરોડોના ખર્ચે થયેલા કામોની ગુણવત્તા અત્યંત નબળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *