ગુજરાતમાં પંચાયતની ચૂંટણીઓ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે, રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયતની અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 21 બેઠકો બિનઅનામત (સામાન્ય) વર્ગને ફાળવવામાં આવી છે. વધુમાં, અનુસૂચિત જાતિ (SC) માટે 4 બેઠકો, અનુસૂચિત જનજાતિ (ST) માટે 1 બેઠક, અને અન્ય પછાત વર્ગ (OBC) માટે 10 બેઠકો અનામત રાખવામાં આવી છે. આમાં મહિલાઓ માટે પણ બેઠકો અનામત છે, જેમાં SCની 2, OBCની 5, અને સામાન્ય શ્રેણીની 11 બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત નિયમો-2010ના નિયમ- 4ની જોગવાઈઓ ધ્યાનમાં રાખીને અનામત બેઠકોની ફેરફાળવણીનો આદેશ જારી કર્યો છે. અનામત બેઠકોની નવેસરથી જાહેર થયેલી યાદીના પગલે ઘણા દાવેદારોએ હવે અન્ય બેઠકો પર નજર દોડાવવી પડશે. આ ઉપરાંત, રાજકોટ તાલુકા પંચાયતની બેઠકોની પણ ફેરફાળવણી જાહેર કરવામાં આવી છે.
અન્ય સમાચાર
રાજકોટ જિલ્લાએ દિવ્યાંગજનોને સાધન સહાય પૂરી પાડવામાં અને સરકારી યોજનાઓના અમલમાં રાજ્યભરમાં મોખરાનું સ્થાન જાળવ્યું છે, જેની નોંધ લઈને કેન્દ્ર સરકારે જિલ્લાની નેશનલ એવોર્ડ માટે પસંદગી કરી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દિલ્હી પહોંચી ગયા છે. જિલ્લામાં દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ અંતર્ગત કુલ 27 મેગા કેમ્પો યોજાયા હતા, જેમાં 2454 દિવ્યાંગોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા કુલ રૂ. 3.50 કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 4314 વિવિધ સાધનો પૂરા પડાયા હતા. આ કેમ્પોમાં સ્થળ પર 1711 લાભાર્થીઓને UDID કાર્ડ, 302 ને આભા કાર્ડ, 266 ને PMJAY કાર્ડ અને 742 ને અન્ય યોજનાઓના લાભ અપાયા હતા. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન કરવામાં આવશે.