ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલનું માનવું છે કે પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027માં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં રમી શકે છે. શરત એ છે કે, તેઓ માનસિક અને શારીરિક રીતે ફિટ રહે અને માનસિક રીતે અનુભવે કે તેમનું શરીર આવું કરી શકે છે. તો મુશ્કેલ નથી.
ભારતીય કોચને રોહિત-કોહલીના ભવિષ્યને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. હકીકતમાં, રોહિત અને કોહલી હવે માત્ર વનડે ક્રિકેટ જ રમી રહ્યા છે. બંનેએ ટી-20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ત્યારથી રોહિત-કોહલીના ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે.
મોર્કલે પ્રેક્ટિસ સેશન પહેલા કહ્યું, છેલ્લા બે અઠવાડિયા નિરાશાજનક રહ્યા, પરંતુ હવે અમારી પાસે કેટલાક દિવસ પોતાને રીસેટ કરવા માટે છે. હવે આપણે આપણી પૂરી એનર્જી વનડે ક્રિકેટ પર લગાવવાની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમે આ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.
તેમણે કહ્યું કે ટેસ્ટ સિરીઝ જીતીને આવેલી સાઉથ આફ્રિકાની ટીમ ખૂબ જ આત્મવિશ્વાસમાં છે અને આવી ટીમો હંમેશા પડકારજનક હોય છે. રંગીન જર્સી અને સફેદ બોલ અલગ ઊર્જા લાવે છે, પરંતુ સાઉથ આફ્રિકા હાલમાં લયમાં છે.