રાજકોટનું માર્કેટિંગ યાર્ડ કપાસથી છલકાયું, 42,000 મણની આવક

હવામાન સ્વચ્છ અને અનુકૂળ થતાંની સાથે જ રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા કૃષિ પેદાશો લાવવાની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે યાર્ડમાં તમામ પ્રકારની જણસોના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે રાજકોટનું માર્કેટ યાર્ડ ખાસ કરીને કપાસની પુષ્કળ આવકને કારણે છલકાઈ ગયું હતું. કપાસને બજારમાં ‘વ્હાઇટ ગોલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે, અને તેની એક જ દિવસમાં 42,000 મણની અત્યાર સુધીની સૌથી મોટી આવક નોંધાઈ છે, જે યાર્ડ માટે એક સારો સંકેત છે. કપાસ ઉપરાંત અન્ય મહત્વની ખરીફ કૃષિ પેદાશોની આવક પણ મોટા પ્રમાણમાં ચાલુ જ છે. જેમાં સોયાબીનની 7500 મણ, જ્યારે ઘઉંની આવક 6500 મણ જેટલી રહી હતી.

આ ઉપરાંત, ચણાની આવક 4500 મણ, લસણની 4220 મણ, અને મગની 4000 મણની આવક નોંધાઈ છે. આ સાથે અડદની 8200 મણ અને તલની 5000 મણની આવક થતાં યાર્ડમાં બધી બાજુ ચિકકાર માલ જોવા મળી રહ્યો છે. જોકે, યાર્ડના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે, હાલ મગફળીની આવક બંધ રાખવામાં આવી છે, કારણ કે હજુ પણ મગફળીનો જૂનો પડતર માલ વેચાયા વગર પડ્યો છે. આ પડતર માલનો સંપૂર્ણ નિકાલ થયા બાદ જ નવી મગફળીની આવક માટે ખેડૂતોને ફરીથી છૂટ આપવામાં આવશે.

અન્ય સમાચાર રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવા રોડ ઓવર બ્રિજ (ROB-48)ના નિર્માણ માટે બ્લૉક લેવામાં આવશે. આ કાર્યને કારણે 29 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર, 2025 સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત થશે.

29 નવેમ્બર, 2025ના રોજ ફેરફારો ટ્રેન નં. 11466 જબલપુર–વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં 2 કલાક રોકાશે. ટ્રેન નં. 16337 ઓખા–એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રોકાશે. ટ્રેન નં. 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ રોકાશે.

30 નવેમ્બર, 2025ના રોજ ફેરફારો ટ્રેન નં. 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી 2 કલાક મોડી, એટલે કે 7:30ના બદલે 9:30 વાગ્યે ઉપડશે. ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 2 કલાક મોડી, એટલે કે 10:25ના બદલે 12:25 વાગ્યે ઉપડશે.

1 ડિસેમ્બર, 225ના રોજ ફેરફારો ટ્રેન નં. 11464 જબલપુર–વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં 3 કલાક રોકાશે. ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 1 કલાક મોડું, એટલે કે 11:25 વાગ્યે ઉપડશે. ટ્રેન નં. 16337 ઓખા–એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં 55 મિનિટ રોકાશે. ટ્રેન નં. 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ રોકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *