રાજકોટ મનપાની બેઠકમાં 20માંથી માત્ર 9 કચેરીના પ્રતિનિધિ હાજર, પોલીસ વિભાગે કહ્યું- અમારી માલિકીની મિલકતોની ખબર નથી!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ રૂપિયા 100 કરોડ જેટલો વેરો સરકારી કચેરીઓનો જ બાકી હોવાથી અત્યારથી આ પૈકી શક્ય હોય તેટલી વધુ રકમ વસૂલવા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જોકે, સરકારી કચેરીઓને બાકી વેરો ભરવામાં રસ હોય નહીં તેમ તાજેતરમાં મનપાએ બોલાવેલી એક બેઠકમાં 20માંથી માત્ર 9 કચેરીનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા એટલું જ નહીં હાજર રહેલા પ્રતિનિધિઓએ અવનવા બહાના બતાવ્યા હતા.

પોલીસ વિભાગે તો કહ્યું કે, અમારી માલિકીની મિલકતોની અમને ખબર જ નથી! તો જિલ્લા પંચાયત કચેરીનું ડિમોલિશન થયું હોવાથી તેના પ્રતિનિધિએ આકારણી રદ્દ કરવા માગ કરી છે. એટલું જ નહીં મનપા દ્વારા પોતાની માલિકીની 1164 મિલકતોનો રૂ. 68 કરોડનો વેરો માંડવાળ કરવા તૈયારી શરૂ કરી છે.

100 કરોડથી વધુનો મિલકત-પાણી વેરો અટકી પડ્યો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વારંવાર માંગણીઓ કરવા છતાં સરકારી કચેરીઓ વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવી રહી છે, જેના પરિણામે અંદાજે રૂ. 100 કરોડથી વધુનો મિલકત અને પાણી વેરો અટકી પડ્યો છે. આ બાકી રકમ વસૂલવા માટે મહાપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા યોજાયેલી બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓએ પણ બાકી વેરો ભરપાઈ કરવા માટે વિવિધ પ્રકારના બહાના રજૂ કર્યા હતા. જે સરકારી કચેરીઓ પાસેથી મહાનગરપાલિકાનો આટલો મોટો વેરો લેવાનો છે, તેમાં રેલવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ, સમરસ હોસ્ટેલ, અને સિટી પોલીસ સહિતની અનેક મોટી કચેરીઓનો સમાવેશ થાય છે. આ કચેરીઓ દ્વારા વેરા ભરપાઈ કરવામાં ન આવતા વહીવટી તંત્રની ચિંતા વધી છે.

મનપાની બેઠકમાં 11 કચેરીના પ્રતિનિધિઓ ગેરહાજર મનપા દ્વારા યોજાયેલી એક બેઠકમાં રેલવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કલેક્ટર ઓફિસ, સમરસ હોસ્ટેલ, PWD, સિટી પોલીસ, કોર્ટ, સ્પોર્ટ્સ વિભાગ, પોસ્ટ વિભાગ, સર્વે ઓફિસ, સેન્ટ્રલ GST, SGIC, પોસ્ટલ ડિપો, જિલ્લા પંચાયત, BSNL ટાવર, ગુજરાત ST, PGVCL, KVC અભિલેખાગાર અને MG હોસ્ટેલના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી 11 કચેરીના પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા હતા, જેમાં રેલ્વે, કલેક્ટર ઓફિસ, સિટી પોલીસ અને કોર્ટ જેવી મુખ્ય કચેરીઓનો સમાવેશ થાય છે. જેનો સૌથી વધુ વેરો બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *