રાજકોટમાં દોઢ વર્ષ પૂર્વે સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ પછી ફૂટેલા ભ્રષ્ટાચારના બોમ્બની તપાસ હજુ પણ ચાલી રહી છે, જેમાં અધિકારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલુ છે. આ કેસમાં સ્થાનિક કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની જંગ ચાલે તેવી પુરી સંભાવનાઓ છે. ત્યારે આ પ્રકરણમાં મુખ્ય જવાબદાર ગણીને સસ્પેન્ડ કરાયેલા અને તાજેતરમાં જામીન પર છૂટેલા પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયાએ મનપા તંત્રને RTI કરી છેલ્લા 20 વર્ષની ગેરકાયદે બાંધકામ અંગેની નોટિસ તેમજ ડિમોલિશનની વિગતો માંગતા દોડધામ મચી છે. RTIના જવાબ બાદ સાગઠિયા આ વિગતોનો બોમ્બ અદાલતમાં ફોડે તેવી શક્યતા છે.
નોટિસ-ડિમોલિશનની વિગતો માંગતા અધિકારીઓમાં દોડધામ પ્રાપ્ત વિગત મુજબ સાગઠિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) હેઠળ વર્ષ 2006થી અત્યાર સુધીમાં ટીપી શાખા દ્વારા ગેરકાયદે બાંધકામ અને ડિમોલિશન માટે અપાયેલી તમામ નોટિસો સહિતની કાર્યવાહીની વિસ્તૃત વિગતો માગી છે. આ વિગતોમાં કલમ 260-1 અને 260-2 હેઠળની નોટિસ, સ્ટે, જાતે બાંધકામ હટાવવા આદેશ અને ડિમોલિશનની કાર્યવાહીનો સમાવેશ થાય છે. આ માહિતીમાં છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ હોવાથી, મનપાના ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ત્રણેય ઝોનની ટીપી શાખામાં અધિકારીઓ અને કર્મચારીઓ રેકર્ડ શોધવામાં લાગી ગયા છે.