ગુજરાતની લોકસંસ્કૃતિનું હૃદય સમાન રાસ અને ગરબાના તાલે હવે રાજકોટ રંગાઈ ઉઠશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યકક્ષાની અર્વાચીન, પ્રાચીન ગરબા તથા રાસ સ્પર્ધાનું યજમાન પદ આ વર્ષે રાજકોટ શહેરને મળ્યું છે. 25થી 28 નવેમ્બર દરમિયાન ટાગોર માર્ગ સ્થિત હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે દરરોજ બપોરે 2થી રાત્રે 8 વાગ્યા સુધી આ સાંસ્કૃતિક મહોત્સવ યોજાશે.
ચારે દિવસ ચાલી રહેલી આ રાજ્યસ્તરની સ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પ્રથમ ક્રમે વિજેતા થયેલી ટીમો ભાગ લેશે. પરંપરાગત અને આધુનિક ગરબા સાથે રાસના રંગો રાજ્યભરની પ્રતિભા અહીં પ્રદર્શિત કરશે. 25 નવેમ્બરના રોજ વડોદરા શહેર, વલસાડ, બનાસકાંઠા, નવસારી, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ ડાંગ અને જૂનાગઢ શહેર સહિતના જિલ્લાઓ રાસ અને અર્વાચીન/પ્રાચીન ગરબા સ્પર્ધાના મેદાનમાં ઉતરશે. 26મીએ પાટણ, મહેસાણા, નર્મદા, તાપી, વડોદરા ગ્રામ્ય, બોટાદ, અમરેલી, રાજકોટ ગ્રામ્ય, આણંદ, જામનગર ગ્રામ્ય અને ગાંધીનગર શહેર-ગ્રામ્યની ટીમો પોતાની પ્રતિભા રજૂ કરશે.
27મી નવેમ્બરે કચ્છ-ભુજ, સુરત શહેર અને ગ્રામ્ય, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તથા રાજકોટ શહેરની ટીમો મંચ પર રાસ ગરબાની રમઝટ બોલાવશે. 28 નવેમ્બરે સ્પર્ધાનો છેલ્લો દિવસ તેટલો જ જમાવટભર્યો બનશે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ શહેર-ગ્રામ્ય, ભાવનગર શહેર-ગ્રામ્ય, દાહોદ, પોરબંદર, જામનગર શહેર, જૂનાગઢ ગ્રામ્ય તથા રાજકોટ શહેરની અર્વાચીન ગરબા ટીમો તાલે ઝૂમે તેવું દર્શન મળશે. રાજકોટને રાજ્યની સાંસ્કૃતિક રાજધાની બનાવી દેનાર આ મહોત્સવને નિહાળવા, ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા અને ગુજરાતના પરંપરાગત તાલ-થાળનો આનંદ માણવા, રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જનતાને ઉપસ્થિત રહેવાની અપીલ કરી છે.