રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે.
હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજકોટમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદ સહિત રાજ્યમાં હાલ પૂર્વના તેજ પવન જમીન પર નીચલા સ્તરે ફુંકાઈ રહ્યા છે. તેની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં હજુ આગામી 24 કલાક સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.