બે મિત્ર પર માથાભારે ટોળકીએ હુમલો કરી યુવકના પગ ભાંગી નાખ્યા, રિક્ષામાં તોડફોડ

શહેરના ભગવતીપરામાં બુધવારે બપોરે રિક્ષામાં બેઠેલા બે મિત્ર પર માથાભારે શખ્સો તૂટી પડ્યા હતા. રિક્ષામાં તોડફોડ કરી એક યુવકને ધોકા-પાઇપના ઘા ઝીંકી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા.

ઘવાયેલા યુવકના મિત્રના ભાઇને અગાઉ હુમલાખોરના પિતા સાથે બોલાચાલી થઇ હતી તેનો ખાર રાખી માથાભારે શખ્સોએ ધમાલ મચાવી હતી.

ભગવતીપરામાં હુશેનિયા મસ્જિદ પાસે રહેતો અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો સમીર અયુબભાઇ સોરા (ઉ.વ.27) તેના રિક્ષાચાલક મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમા સાથે તેની રિક્ષામાં બેસી ચા પીવા ગયો હતો.

ચા પીને બંને મિત્ર બપોરે બારેક વાગ્યે પરત પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા અને ભગવતીપરામાં આઝમ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે ભગવતીપરાના જાહીદ ઉર્ફે જાવલો યુસુફ, ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી, મંડપ સર્વિસ વાળાના ત્રણ પુત્ર સહિત છ જેટલા શખ્સે ધસી આવી આંતરીને રિક્ષા ઊભી રખાવી દીધી હતી.

બંને મિત્ર કંઇ સમજે તે પહેલાં જ તમામ શખ્સો ધોકા-પાઇપના ઘા રિક્ષા પર ઝીંકવા લાગ્યા હતા અને રિક્ષામાં તોડફોડ કરી હતી. રિક્ષામાંથી નીચે ઉતરેલા સમીરને કહ્યું હતું કે, તું સિકંદરની સાથે કેમ ફરે છે? ત્યારબાદ તમામ હુમલાખોરો સમીર સોરા પર ધોકા-પાઇપથી તૂટી પડ્યા હતા. સરાજાહેર હિચકારો હુમલો થતાં લોકો એકઠા થવા લાગતાં હુમલાખોરો નાસી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *