IOCLના પ્લાન્ટમાં LPG લીકેજથી 4 કર્મીને ઝેરી અસર, મોકડ્રીલ

રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે મોક્ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. આગ વિકરાળ બનતા લેવલ-3 ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી. જેમાં 120 કર્મચારીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા જ્યારે 4 કર્મચારીને ગેસની ઝેરી અસર થતા NDRFની ટીમ દ્વારા PPE કીટ પહેરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

IOCLના પ્લાન્ટમાં ગેસ લીકેજ થતા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગ કાબૂમાં ન આવતા અંતે 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. આ દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે 120થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા.

ગેસથી અસર પામેલા 4 કર્મચારીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું બીજી તરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. જોકે આ દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો. આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ત્યાં પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા 4 કર્મચારીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડેપગે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *