રાજકોટના તમામ રોડ-રસ્તાનું નવીનીકરણ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે, જરૂર પડ્યે નવા બનાવાશે : સ્ટેન્ડિંગ ચેરમેન

રાજકોટનાં લોકો લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યાથી પરેશાની ભોગવી રહ્યા છે. જોકે હવે લોકોની આ મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત આવશે. આજે મેયરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ફેબ્રુઆરી સુધીમાં શહેરભરના તમામ રોડ-રસ્તાઓનું નવીનીકરણ કરવા અધિકારીઓને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને આદેશો આપ્યા છે. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરએ જણાવ્યું હતું કે, રાજકોટનાં રોડ-રસ્તાનું નવીનીકરણ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરાશે. જેમાં રસ્તાઓનું પેચવર્ક અને જરૂર પડ્યે નવા બનાવવામાં આવશે.

કમોસમી વરસાદના કારણે બિસ્માર રસ્તાનું સમારકામ મોડું થશે ચેરમેન ઠાકરે જણાવ્યું હતું કે, RMC માં ભાજપના શાસકો દ્વારા વર્ષમાં બે વખત રોડ બનાવવામાં આવે છે એક માર્ચમાં અને બીજો દિવાળીની આસપાસ. જોકે, આ વર્ષે ગુજરાત અને રાજકોટમાં આવેલા કમોસમી વરસાદને કારણે રોડના કામો સમયસર થઈ શક્યા નથી, કારણ કે વરસાદના કારણે ડામરનો પ્લાન્ટ બંધ રાખવો પડે છે. વરસાદને કારણે જ્યાં રોડ પર ખાડાપડ્યા છે અને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે, ત્યાં હવે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે.

જ્યાં જરુર હશે ત્યાં નવા રોડ બનાવાશે- સ્ટે. ચેરમેન તેમણે જણાવ્યું કે, આજે મેયરની અધ્યક્ષતામાં ડેપ્યુટી કમિશનરો અને તમામ ઝોનના સિટી ઇજનેરોને બોલાવી કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમાં જ્યાં જરૂર જણાશે ત્યાં રોડ નવા બનાવાશે અને જ્યાં ફક્ત ખાડા પડ્યા છે, ત્યાં પેચવર્ક કરીને માર્ગોને તાત્કાલિક રીપેર કરવામાં આવશે. ખાસ કરીને પાઇપલાઇનના કામ બાદ રોડ બેસી ન જાય તે માટે હાલ પૂરતું પેચવર્ક કરીને રસ્તો વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવાશે, અને ત્યારબાદ આવતા વર્ષે નવા રોડનું કામ હાથ ધરાશે. આ તમામ કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી રાજકોટની જનતાને રોડ-રસ્તાને લઈ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *