ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોષી (સમીપ જોષી) સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે, તો વડોદરાના બીરલ પટેલ મેયર કાઉન્સિલના સભ્ય તરીકે પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. માત્ર 35 વર્ષની ઉંમરે સેમ જોષીએ અમેરિકામાં ગુજરાતી મૂળના રાજકારણી તરીકે ઇતિહાસ રચ્યો છે, જ્યારે બીરલ પટેલે શિક્ષણ બોર્ડના પ્રમુખ તરીકેની સફળતા બાદ આ વિજય મેળવ્યો છે. બંનેએ ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.
મૂળ શિવરાજપુર (હાલોલ તાલુકો)ના સેમ જોશી (ઉં.વ. 35) અમેરિકામાં જન્મેલા છે, પરંતુ તેમના માતા-પિતા પ્રદીપભાઈ અને બીનાબેન જોશી 40 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા. સેમે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને માત્ર 14 વર્ષની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઇન્ટર્ન તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ ત્રણ મેયર સાથે કામ કરી ચૂક્યા છે. 2018માં 27 વર્ષે કાઉન્સિલર, 2021માં 30 વર્ષે પહેલી વાર મેયર અને હવે 35 વર્ષે બીજી વાર મેયરપદ જીતીને તેમણે ઇતિહાસ રચ્યો છે.