2016ની હત્યાના પ્રયાસના કેસમાં જામીન મંજૂર

રાજકોટમાં વર્ષ 2016માં બનેલી હત્યાની કોશિષની ગંભીર ઘટના સાથે જોડાયેલા કેસમાં 10 વર્ષની સજા પામેલા આરોપી સંદિપ ઉર્ફે દીકુ સુરેશભાઈ દેવડાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં એક વર્ષ પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી, જેને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી હતી.

છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો મીત ભરતભાઈ સરવૈયા નામના લોન રીકવરી એજન્ટ અને તેનો મિત્ર કલ્પેશ ધ્રાંગીયા વર્ષ 2016 દરમિયાન ગોંડલ રીકવરી માટે ગયા હતા. આ સમયે આરોપી સંદિપ ઉર્ફે દીકુ દેવડાએ મીત સરવૈયાને ફોન કરી રાજકોટના ત્રિશૂલ ચોક પાસે રાજદીપ પાન સેન્ટર નજીક બોલાવ્યો હતો. ત્યાં પહોંચતાની સાથે સંદિપ ઉર્ફે દીકુ દેવડા, દીકુ સુરેશભાઈ રાજપૂત, બાઠીયો કોળી તથા બે અજાણ્યા શખ્સોએ ધોકા અને છરી વડે બંને પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ, સેશન્સ કોર્ટે પુરાવા આધારે ત્રણેય આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી હતી અને હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી હતી.

“સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ” અરજી દાખલ કરી હતી હાઈકોર્ટના આદેશ સામે આરોપી સંદિપ દેવડાએ ગોંડલના એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા મારફત સુપ્રીમ કોર્ટમાં “સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ” અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ઓનરેબલ જસ્ટિસ પંકજ મિથલ અને ઓનરેબલ જસ્ટિસ પ્રસન્ના બી. વારલેની સામે કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના એડવોકેટોની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. આ કેસમાં આરોપી તરફે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રદ્યુમન ગોહીલ, તરૂણાસિંહ ગોહીલ, વિજયરાજસિંહ જાડેજા, અલાપ્તી સાહિત્ય કૃષ્ણા, હેતવી કેતન પટેલ, ઋષભ એન. કાપડીયા, તાનિયા બંસલ, તેમજ ગોંડલના હર્ષિદાબેન કે. ચનિયારા અને કલ્પેશભાઈ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *