ભાવનગરના કાળિયાબીડમાં ટેમ્પલ બેલના ચાલકની બેદરકારીથી વૃદ્ધનું મોત નિપજ્યું

ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં રહેતા એક યુવક દિવાળીની ઉજવણી કરવા વતન માતા-પિતા પાસે આવ્યો હતો અને ગઇકાલે તેમના પિતાને બાઇકમાં બેસાડી, કાળિયાબીડમાં આવેલ શક્તિમાં ના મંદિર પાસેથી પસાર થતા હતા તે વેળાએ ભાવનગર મ્યુ.કોર્પોરેશનની કચરા ગાડી ટેમ્પલ બેલના ચાલકે બેદરકારીથી ટેમ્પલ બેલ ચલાવી, પિતા-પુત્રની બાઇક સાથે પાછળથી ધડાકાભેર અકસ્માત કરતા બાઇકની પાછળ બેસેલા વૃદ્ધને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં પુત્રની નજર સામે પિતાનું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને ભાવનગર ખાતે માતા-પિતા પાસે દિવાળીની ઉજવણી કરવા વતનમાં આવેલા મહેશભાઇ કાનજીભાઇ ડાંખરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કાનજીભાઇ નાગજીભાઇ ડાંખરા (ઉ.વ.66)ને બાઇકમાં પાછળ બેસાડી કાળિયાબીડ શક્તિ માંના મંદિરથી તેમના ઘર તરફ જઇ રહ્યા હતા તે વેળાએ શક્તિમાં ના મંદિર પાસે પાછળથી બેફીકરાઇ તેમજ પુરપાટ ઝડપે આવેલા ભાવનગર કોર્પોરેશનના ટેમ્પલ બેલના ચાલકે પિતા-પુત્રની બાઇક સાથે ધડાકાભેર અકસ્માત કરી, અડફેટે લેતા, બાઇકની પાછળ બેસેલ કાનજીભાઇને માથાના તેમજ શરીરના ભાગો ઉપર ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યાં મહેશભાઇની નજરની સામે જ તેમના પિતા કાનજીભાઇનું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. ટેમ્પલ બેલનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતાં મહેશભાઇએ નિલમબાગ પોલીસ મથકમાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના ટેમ્પલ બેલના ચાલકો વગર લાઇસન્સે તેમજ બેફીકરાઇથી ગાડી ચલાવતા હોવાની પણ રજૂઆત થવા પામી છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *