રાજ્યના GUDM (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન) વિભાગે લાંબા સમયની અસમંજસ બાદ આખરે રાંદરડા તળાવના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. મહાનગરપાલિકા દ્વારા આ યોજના માટે રૂ. 16,94,50,968 ઉપરાંતના ખર્ચનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રદ્યુમન પાર્ક નજીકના વિસ્તારોનો વિકાસ કરીને લાયન સફારી પાર્ક, ફૂડ કોર્ટ, બાલ ક્રીડાંગણ, સેલ્ફી પોઈન્ટ અને લાઈટિંગ સહિતની સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે. તળાવ ફરતે રિવર ફ્રંટ ચેન પણ વિકસાવવામાં આવશે.
ટૂંક સમયમાં રાંદરડાનાં બ્યુટીફિકેશનની કામગીરી આગળ વધશે આ પ્રોજેક્ટના માર્ગમાં આવતા સાગરનગર, જંગલેશ્વર તેમજ બેટ દ્વારકા વિસ્તારના 900થી વધુ વિસ્થાપિતોને જગ્યા ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ આખરી નોટિસ આપી દીધી છે. અસરગ્રસ્તોને અન્યત્ર આવાસ ફાળવવા માટે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવ્યા છે. જેમાં સાગરનગરના 600માંથી 400 વિસ્થાપિતોએ આધાર પુરાવા આપી દીધા છે. જ્યારે જંગલેશ્વરના 491 વિસ્થાપિતોને હવે 2018-19 મુજબના ડોક્યુમેન્ટ્સ આપવા જણાવાયું છે, કારણ કે મોટાભાગના પાસે 2010ના દસ્તાવેજો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ, લલુડી વોંકળીના કુલ 670 વિસ્થાપિતોએ સોરઠિયાવાડી સ્થિત આવાસોમાં જવાની તૈયારી દર્શાવી ચુક્યા છે ત્યારે ટૂંક સમયમાં રાંદરડાનાં બ્યુટીફીકેશનની કામગીરી આગળ વધશે.