રાજકોટ મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ દશેરાથી દિવાળી સુધી મીઠાઈ, ફરસાણ, ડેરીઓ, હોટલો અને રેસ્ટોરન્ટમાં મોટી ચેકિંગ ડ્રાઈવ ચલાવી હતી. મિની વેકેશનના માહોલમાં શહેરની સ્વાદપ્રિય જનતા રેંકડીઓથી લઈને રેસ્ટોરન્ટ અને ફૂડ ઝોનમાં ખાનપાન માટે ઉમટી પડી હતી. જોકે, આ સઘન ચેકિંગ છતાં ફૂડ શાખાને છેલ્લા અઠવાડિયામાં કે દિવાળી પછીના પખવાડિયામાં એક કિલો પણ અખાદ્ય માલ મળ્યો નથી. ફૂડ વિભાગે છેલ્લા બે-ત્રણ દિવસમાં પેડક રોડથી રૈયા રોડ સુધીના વિસ્તારમાં ખાણીપીણીના કુલ 38 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી, જેમાંથી 35 નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન, 18 વેપારીઓને ફૂડ લાયસન્સ લેવા નોટિસ આપવામાં આવી છે. નોટિસ મેળવનારાઓમાં ઈવા એન્ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા), જીલાની વડાપાઉં, જોકર ગાંઠિયા, ન્યુ મેટ્રો રેસ્ટોરેન્ટ, અને મોમાઈ ચાઇનીઝ પંજાબી સહિતના ધંધાર્થીઓનો સમાવેશ થાય છે.
પૂર્વ ઝોનના મેયરના વોર્ડ નંબર 4માં કુવાડવા રોડ પર આવેલી શ્રી બંગલો સોસાયટીના 141 જેટલા મકાનોના રહેવાસીઓએ આજે મુખ્ય રોડના ડામર કામ અને છેલ્લા અઠવાડિયાથી આવતા દૂષિત પાણીના મામલે મેયર નયનાબેન પેઢડીયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ડી માર્ટ પાછળ કુવાડવા રોડને જોડતો 50 ફૂટનો મુખ્ય રોડ સાત વર્ષથી કાચો છે અને તેના પર ડામર કામ કે પેચવર્ક થયું નથી. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. વધુમાં, પરેશભાઇ રામાણી અને અન્ય લોકોએ ફરિયાદ કરી હતી કે, દિવાળી બાદથી સોસાયટીમાં ડહોળું પાણી આવી રહ્યું છે અને ઓછા ફોર્સથી પાણી મળે છે, ત્યારે રોગચાળાની ભીતિ વચ્ચે તાત્કાલિક લાઇન ચેક કરવા અને પાણીનો પ્રશ્ન હલ કરવા માગ કરી હતી. લોકોની રજૂઆત સાંભળ્યા બાદ મેયર નયનાબેન પેઢડીયાએ તાકીદે ઝોન અને વોર્ડના અધિકારીઓને પાણીનો પ્રશ્ન હલ કરવા તથા નવા રોડ અને પેચવર્કનું કામ ઝડપથી શરૂ કરવા માટે સૂચના આપી હતી.