બસ અને કાર ખીણમાં પડી, 3 મોત… 30ને બચાવાયા

ઇન્દોર જિલ્લાના મહુમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થઈ. બંને વાહનો ટકરાતા ઊંડી ખીણમાં પડી ગયા. આ અકસ્માતમાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે. અધિકારીઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 13 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. મૃતકોમાં સુરતના એક રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. જ્યારે સુરતના જ અન્ય એક યુવકને આ અકસ્માતમાં ઈજા પહોંચી છે.

સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે સિમરોડ નજીક ભેરુઘાટમાં આ અકસ્માત થયો હતો. બસ ઓમકારેશ્વરથી ઇન્દોર જઈ રહી હતી ત્યારે તે એક કાર સાથે અથડાઈ હતી. એવું કહેવાય છે કે બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાઈવર નશામાં હતો.

અકસ્માતની માહિતી મળતાં, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, કેટલાકને બસની બારીઓ તોડીને બચાવવા પડ્યા. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

અધિક પોલીસ અધિક્ષક રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કલેક્ટર શિવમ વર્માએ તાત્કાલિક એસડીએમ મહુને ઘટનાસ્થળે મોકલ્યા અને ઘાયલોને ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં ખસેડ્યા. કલેક્ટરે સમગ્ર ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *